About Acharyashree

img
About

આચાર્યશ્રી નિ.લી. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી

સ્થાપક, પ્રેરક અને માર્ગદર્શક – શ્રીવલ્લભ ગોશાલા

ઈ.સ.૧૯૮૭માં જયારે ભીષણ દુષ્કાળ પડ્યો ત્યારે ગોમાતાની સ્થિતિ ખુબજ દયનીય હતી. આવા કપરા સમયમાં શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતો ની પ્રેરણા અને શ્રીકૃષ્ણભક્તિના જોરે નિ.લી. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીએ સમાજમાં ગોરક્ષાના મહત્વને સ્થાપિત કર્યું.

પ્રભુચરણ શ્રીગુસાંઈજી શ્રીવિઠ્ઠલનાથજીને અકબર બાદશાહે આપેલ “ગોસ્વામી” બિરૂદનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી મહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજીએ “કૃષ્ણસેવા સદા કાર્યા” નો જે ઉપદેશ આપ્યો તેમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્ન્તા પ્રાપ્ત કરવી હોય તો શ્રીકૃષ્ણની સેવા સાથે ગોમાતાની સેવા પણ અત્યંત આવશ્યક છે. ગોપાલની પ્રસન્ન્તા ગાયની પ્રસન્ન્તામાં જ રહેલી છે.

આપશ્રીના હૃદયમાં રહેલી આ ગોસેવાની ભાવના આપશ્રીના આચરણમાં ડગલેને પગલે પ્રતીત થતી હતી. ગાયોના સુખ અર્થે નિરંતર તન-મન-ધનથી પરિશ્રમ લઇ આપશ્રી પ્રવૃત રહેતા હતા. ગો સેવાર્થે આપશ્રીએ આપનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. “આપ સેવા કરી શીખવે શ્રી હરિ “ એ વૈષ્ણવોની ભાવના અનુરૂપ આપશ્રીએ  ગોસેવાને પોતાના રોમેરોમમાં આચરણમાં મૂકી પોતાની વૈષ્ણવીસૃષ્ટિ તેમજ સમાજના દરેક વર્ગના લોકોને ગોસેવા માટે પ્રેરણા આપી. આપશ્રીની પ્રેરણાથી સૌરાષ્ટ્રના ગામેગામ ગોશાલાની સ્થાપના થઈ હતી અને આજે પણ એ બધી જ ગોશાલા સુંદર રીતે કાર્યરત છે.

આપશ્રીના ગોસેવા સમર્પિત જીવનના બહોળા અનુભવના આધારે કેવલ ગુજરાત જ નહિ પરંતુ ભારતભરમાંથી અનેક ગોપ્રેમીઓ માર્ગદર્શન પ્રાપ્ત કરતા અને આપશ્રીની આજ્ઞા પ્રમાણે ગોશાલા આદિની સ્થાપના કરી ગોમાતા-ગોવંશનું સુખ વિચારતા હતા. તેથી જ કેવલ ગુજરાત જ નહિ, ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં એવા કોણ ગોપ્રેમી હશે જે આપશ્રીના નામથી અજાણ હોય ?

આપશ્રી સ્પષ્ટ આજ્ઞા કરતા કે સાંપ્રત સમયની દેશ અને વિશ્વની વિકટ પરિસ્થિતિના નિવારણનો એકમાત્ર ઉપાય ગોસેવા જ ગોપાલન-ગોસંરક્ષણ -ગોસંમર્ધન દ્વારા જ સાત્ત્વિક્તા નું નિર્માણ થશે અને સાત્ત્વિક્તા જ તામસવૃતિનો નાશ કરી ઉન્નતિ તરફ લઇ જશે.

આપશ્રીના આ ઉત્તમ વિચારોની પ્રેરણાની પ્રેરાઈને ગોપાલન-ગોસંરક્ષણ –ગોસંમર્ધનના ઉત્તમ આદર્શને સ્થાપવા આપશ્રીએ શ્રીવલ્લભ ગોશાળાની સ્થાપના કરી. આવી રીતે નિ.લી. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી શ્રીવલ્લભ ગોશાલા આજે સુંદર રીતે ગોમાતાના સર્વાંગીણ સુખનો વિચાર કરતા કાર્યરત છે.

શ્રીવલ્લ્ભાચાર્યજી શ્રીમહાપ્રભુજીના સિદ્ધાંતોને નખશીખ જીવનમાં આચરણમાં મૂકી નિજજનોને તેના ઉપદેશ દ્વારા આચાર્ય તરીકેના પોતાના કર્તવ્યને જીવનપર્યંત નિભાવી કૃપા વિચારનાર આપણા સમર્થ મહાપુરુષ આચાર્યવર્ય નિ.લી. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીના ચરણારવિંદમાં કોટી કોટી દંડવત પ્રણામ્……

About

અધ્યક્ષ – શ્રીવલ્લભ ગોશાલા

નિ.લી. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી આદર્શને નખશીખ પર્યંત આચરણ મૂકી આપશ્રી આત્મજ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રી બિરાજી રહ્યા છે. આપશ્રીના પિતાશ્રીનો જે ગોપ્રેમ હતો તે જ ગોપ્રેમ, તે જ ગાયો માટેનો ભાવ આપશ્રીના સમ્પર્કમાં આવનારને અનુભવમાં આવ્યા વગર રહે જ નહિ.

ગોમાતા-ગોશાલા પ્રત્યેનું સહજ આકર્ષક આપના વાણી-વ્યવહારમાં સ્પષ્ટ દર્શન થઇ આવે છે. નિ.લી. ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રી દ્વારા સ્થાપિત શ્રીવલ્લભ ગોશાલાના ઉત્તરોત્તર વિકાસ માટે આપશ્રી નિરંતર ચિંતનશીલ રહે છે. ગોમાતા-ગોવંશ નિરંતર પ્રસન્નતાપૂર્વક આંનદથી બિરાજે તે માટે સંસ્કૃતના  સંરક્ષણપૂર્વક આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે ઈ.સ.૨૦૨૧માં ગોશાલાના જીર્ણ વિભાગોનો જીણોદ્ધાર કરવામાં આવ્યો. આ જીણોદ્ધારના કાર્યમાં ખૂબ જ પરિશ્રમ લઈ આપશ્રીએ સતત માર્ગદર્શન દ્વારા આ કાર્યને પૂર્ણ કર્યું.

ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીનો સ્પષ્ટ અભિગમ રહ્યો છે કે “શ્રીમહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યના વંશજ આચાર્ય તરીકે શ્રીવલ્લભના સિદ્ધાંતોને આચરણમાં મૂકી વૈષ્ણવસૃષ્ટિને તેના માટે પ્રેરણા આપવીએ અમારું કર્તવ્ય છે.” આપનો આ અભિગમ આપના આચાર-વિચાર, વાણી-વ્યવસ્થામાં સ્પષ્ટ દર્શન થાય છે. આપશ્રીના આ કર્તવ્યને પૂર્ણ કરવા માટે આપશ્રીએ ચિંતનકણિકારૂપ પ્રેરણા પ્રાપ્ત કરી કે આધુનિક શિક્ષણ અને ટેકનોલોજીનો દુરુપયોગ બાળકોમાં સંસ્કારની ઉણપ લાવી રહ્યો છે. સંસ્કારવિહિન વ્યક્તિ જીવનના કોઇપણ ક્ષેત્રમાં સુખ અને સંતોષપૂર્વક ઉન્નતિ પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ સંસ્કાર સિંચન જો બાલ્યાવસ્થાથી થાય તો જ તે ફલરૂપ બને છે, દ્રઢ બને છે. સંસ્કારોથી જ માનવજીવનની શોભા છે. સંસ્કાર એ જીવમાત્રની આવશ્યકતા છે.

આપશ્રીના આ ચિંતનને મૂર્તિમંત કરવા માટે બાળકોમાં સંસ્કાર સિંચન થાય તેવા હેતુથી પુષ્ટિસંસ્કાર પાઠશાલાની સ્થાપના કરવામાં આવી. બાળકો સાથે યુવાનોમાં પણ વૈષ્ણવતા, ધર્મનિષ્ઠા, રાષ્ટ્રનિષ્ઠા, માનવતા આદિ ગુણોનો વિકાસ થાય તે માટે પુષ્ટિસંસ્કાર વિદ્યાપીઠનો પ્રારંભ થયો. વૈષ્ણવોમાં સ્વમાર્ગનિષ્ઠા દ્રઢ બને અને શ્રીવાલ્લભાચાર્યજીના સિદ્ધાંતોને તેના મૂલ સ્વરૂપમાં જાણી અને જીવી શકે તે માટે પુષ્ટિસંસ્કાર પરિવારના માધ્યમથી સત્સંગ દ્વારા અનેક જીવો સ્વમાર્ગનિષ્ઠા બની રહ્યા છે.

હજુ પણ આ યાત્રા આટલાથી ન રોકાઈ. પુષ્ટિસંસ્કાર પાઠશાલાના માધ્યમથી રોપાયેલુ એ બીજ આજે “પુષ્ટિસંસ્કારધામ” રૂપ વટવૃક્ષનો આકાર લઈ રહ્યુ છે.

સમગ્ર વૈષ્ણવસૃષ્ટિ, સમાજ, રાષ્ટ્ર, વિશ્વની સર્વાંગીણ ઉન્નતિ માટે સદા ચિંતનશીલ આપણા આચાર્યશ્રી ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના ચરણાવિન્દમાં અનેકશ: દંડવત્ પ્રણામ….

img