ગાયનું સંવર્ધન

img

શ્રીવલ્લભ ગોશાલામાં થતું, ગોમાતા અને ગોવંશનું સંવર્ધન.

ગોસંવર્ધન એટલે ગોપાલન; જે ભારતીય સંસ્કૃતિ અને નિષ્ઠાનું પ્રતિક છે. આપણને મળેલ ગોમાતા અને ગોવંશનો અમૂલ્ય વારસો ખરાં અર્થમાં સચવાઈ, એ હેતુને સાકાર કરવા શ્રીવલ્લભ ગોશાલાનું નિર્માણ થયું છે. અહીં ગોમાતા-ગોવંશને સારી ગુણવત્તાવાળો ઘાસચારો, જલ, વિશાળ જગ્યા, શુદ્ધ હવા અને પર્યાપ્ત સૂર્યપ્રકાશ સાથેનું પ્રાકૃતિક વાતાવરણ મળવાથી ગોમાતા-ગોવંશની માવજત અને સંવર્ધનનું કાર્ય ખૂબ અસરકારક રીતે થાય છે. ગોમાતા-ગોવંશને આહાર સ્વરૂપે ગો આધારીત ખેતીથી ઉપજેલો લીલો અને સૂકો ઘાસચારો આપવામાં આવે છે, આ ઉપરાંત અઠવાડિયે એક વખત જુવાર અને ઔષધિ સ્વરૂપે કડવો લીમડો અપાય છે.

      ગોશાલા પરિસરના ખાણ વિભાગમાં ૧૨ જાતની સામગ્રીઓ મિશ્રિત કરીને ગોમાતા-ગોવંશ માટે શુદ્ધ અને પૌષ્ટિક ખાણ તૈયાર કરવામાં આવે છે. પ્રતિદિન આ ખાણ ગોમાતા-ગોવંશની ઉંમર મુજબ તેને પ્રમાણસર રીતે આપવામાં આવે છે.

     ગોશાલામાં ગોમાતા-ગોવંશને ગુણવત્તાયુક્ત આહાર અને સંપૂર્ણપણે પ્રાકૃતિક વાતાવરણ મળી રહેતું હોવાથી, તેમાં કોઈ પ્રકારની બીમારી પ્રવેશ કરતી નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે અહીં બે તબીબ સતત દેખરેખ રાખે છે.

    સગર્ભા ગોમાતા માટે અલગ નિવાસસ્થાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં સીસીટીવી કેમેરાની મદદથી તબીબો સતત તેમનાં પર દેખરેખ રાખે છે. ગોમાતા વિયાય ત્યારથી ૧૫ દિવસ સુધી તેનું વાછરું જ પયપાન કરે છે, એ ગોમાતાનું દૂધ બીજા કોઈ ઉપયોગમાં લેવાતું નથી. જે પછી ૮ મહિના સુધી તેના વાછરડુંને તેની સાથેજ રાખવામાં આવે છે, એ સમય દરમિયાન બે આંચળ વાછરડું પયપાન કરે છે, જ્યારે બીજા બે આંચળનું દૂધ સાત્વિક દૂધ માટે ઉપયોગમાં લેવાય છે.ગોખિરકમાં હાથથી જ દોહન કરવામાં આવે છે, જેમાં ૬ જેટલાં ગોપાલકો હંમેશા ગોસેવામાં તત્પર રહે છે. દોહન કરતી વેળાએ ગોખિરકમાં મધુર સંગીત વગાડવામાં આવે છે, જેની દોહન ક્રિયામાં સકારાત્મક અસર જોવા મળે છે.

    શિયાળામાં ગોખિરક ફરતે કંતાનનું આવરણ લગાવવામાં આવે છે, આ ઉપરાંત ગોમાતાને સ્વાસ્થ્યવર્ધક ગાજર ખવડાવવામાં આવે છે, જેથી કરીને ગોમાતાને ઠંડીથી રાહત આપી શકાય. આ ઉપરાંત ઉનાળામાં ગરમીથી રક્ષણ આપવા પ્રત્યેક ગોમાતાને ગોળનું પાણી પીવડાવવામાં આવે છે, સમયાંતરે શક્કરટેટી ખવડાવવામાં આવે છે. ગોખિરકમાં માખી-મચ્છર જેવા જીવજંતુઓનો ઉપદ્રવ ન રહે, એ માટે ગોખિરકમાં લીલી ચા અને અરડૂસીના છોડ વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમિતપણે ઔષધિયુક્ત ધુમાડી પણ કરવામાં આવે છે.