ગોશાલાના વિભાગો

વિભાગો

ગોખિરક

(ગાયો માટે જગ્યા)

શ્રીવલ્લભ ગોશાલામાં કુલ ૧૨ ખિરકનું નિર્માણ થયું છે, જેમાં ગુજરાતની વિશ્વ પ્રસિદ્ધ ગીર નસલની ગોમાતા આનંદપૂર્વક બિરાજે છે. ગોમાતા ઈચ્છે ત્યારે ભોજન અને જલ ગ્રહણ કરી શકે એ માટે ગોખિરકની અંદર અને બહાર બંને જગ્યાએ ગોમાતા માટે જલાશય અને ગમાણનું બાંધકામ થયું છે.

દિવસ દરમિયાન ગોમાતા સૂર્યસ્નાન કરી તાપ મેળવી શકે અને તેમનામાં રહેલ સૂર્યનાડી ઉજાગર થાય એ માટે ખુલ્લી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથોસાથ રાત્રે હિંસક વન્યપ્રાણીઓથી રક્ષણ આપવા એક સુરક્ષિત જગ્યાનું નિર્માણ પણ થયું છે. દિવસ દરમિયાન બે થી ત્રણ વખત સમગ્ર ગોખિરક પરિસરની સફાઈ કરવામાં આવે છે, જેથી અહીં ગંદકી અને દુર્ગંધ જેવી સમસ્યા સ્હેજમાત્ર પણ ઉદ્દભવતી નથી.

 

વિભાગો

નંદીઘર

(નંદી માટે જગ્યા)

શ્રીવલ્લભ ગોશાલામાં નંદીઓ માટે ખાસ નંદીઘરની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં નંદીઓ આનંદપૂર્વક બિરાજે છે. નંદીઘરની બહાર પણ નંદીઓ ખુલ્લી જગ્યામાં આરામથી વિચરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. નંદી માટે આહાર અને જલની વ્યવસ્થા અહીં નંદીઘરમાં જ કરવામાં આવી છે.

નંદીઘરમાં વસતા નંદીનો ઉપયોગ ફક્ત ગોશાલાની ગોમાતાને ફલિત કરવા માટે થાય છે. શ્રીવલ્લભ ગોશાલા દ્વારા કોઈપણ પ્રકારે કૃત્રિમ બીજદાન થતું નથી. અહીં ગોશાલામાં નંદી પાસે ૩ વર્ષ સુધી સેવા લેવામાં આવે છે, ત્યારબાદ શ્રીવલ્લભ ગોશાલા સાથે જોડાયેલી ૧૦૮ ગોશાલા પૈકીની કોઈપણ ગોશાલાને એ નંદી સંપૂર્ણ નિભાવની જવાબદારી સાથે સોંપવામાં આવે છે.

વિભાગો

બળદ ઘર

(બળદ માટે જગ્યા)

શ્રીવલ્લભ ગોશાલામાં બળદ માટે અલગથી બળદ ઘર નિર્માણ થયું છે. જે વાછરડાઓ નંદી તરીકે ઉપયોગમાં નથી આવતા તેમને બળદ બનાવી જીવન પર્યન્ત સાચવવામાં આવે છે. આ બળદનો ઉપયોગ શ્રીવલ્લભ ગોશાલા સાથે જોડાયેલાં વિવિધ ખેતીજન્ય કામોમાં થાય છે.




વિભાગો

ગો પરિક્રમા માર્ગ

(ગાયની પરિક્રમા કરવા માટેનો માર્ગ)

શ્રીવલ્લભ ગોશાલામાં કુલ ત્રણ ગો પરિક્રમા માર્ગ છે; જેમાં સૌપ્રથમ મોટાં પરિક્રમા માર્ગથી શ્રીવલ્લભ ગોશાલાની તમામ ગોખિરક ફરતે પરિક્રમા કરી શકાય છે, દ્વિતીય ક્રમના પરિક્રમા માર્ગથી વૃદ્ધ કે શારીરિક રીતે અશક્ત વૈષ્ણવો અમુક ગોખિરકની પરિક્રમા સરળતાથી કરી શકે છે, જ્યારે તૃતીય પરિક્રમા માર્ગ સૌથી નાનો છે, જેનાથી શ્રીવલ્લભ ગોશાલામાં સ્થિત આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા ફરતે પરિક્રમા કરી શકાય એવી સુંદર વ્યવસ્થા છે.

ગો પરિક્રમા માર્ગને કોટા સ્ટોનથી મઢવામાં આવ્યાં છે, જેથી વૈષ્ણવો પગરખાં વિના પણ સરળતાથી પરિક્રમા કરી શકે છે. ગો પરિક્રમા કરતી વખતે વૈષ્ણવો હવેલી સંગીત તેમજ ધોળ-કીર્તનનું શ્રવણ કરી શકે, એ માટે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે.

વિભાગો

પંચગવ્ય સ્ટોર

(પંચગવ્યના ઉત્પાદનો)

ગોમાતા દ્વારા પ્રાપ્ત થતી પાંચ પવિત્ર વસ્તુઓ જેવીકે; દૂધ, દહીં, ઘી, ગોમૂત્ર અને ગોબરને પંચગવ્ય તરીકે ઓળખવામાં આવે છે. પંચગવ્યમાંથી બનાવવામાં આવતી વિવિધ વસ્તુઓનો ઉપયોગ માનવજીવનમાં શારિરીક-માનસીક તંદુરસ્તી અને સાત્ત્વિકતાનું નિર્માણ કરવામાં સચોટ રીતે સહાયક બને છે.

આથી પંચગવ્યમાંથી બનતી કેટલીક ઔષધિઓ, ગોમૂત્ર અર્ક, સાત્ત્વિક દૂધ-ઘી-છાશ જેવી ખાદ્ય સામગ્રીઓ, દિયા, ધૂપસળી, ગોબરકંડા, ફીનાઇલ(ગોમૂત્ર અને લીમડાના અર્કમાંથી તૈયાર થયેલ ગોનાઇલ) ઉપરાંત ગો આધારિત ખેતી વડે ઉપજાવેલા સંપૂર્ણપણે ઓર્ગેનિક ફળ અને શાકભાજી જેવી શુદ્ધ-સાત્ત્વિક વસ્તુઓ વૈષ્ણવોને શ્રીવલ્લભ ગોશાલાના પંચગવ્ય સ્ટોર માંથી મળી રહે છે.

વિભાગો

ઓડિટોરિયમ

(ગોશાળામાં ઓડિટોરિયમ)

શ્રીવલ્લભ ગોશાલામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મલ્ટીમીડિયા ઓડિટોરિયમનું નિર્માણ થયું છે. જે ૧૨૦ વ્યક્તિની બેઠક ક્ષમતા ધરાવે છે, જ્યાં વૈષ્ણવો ઓડિયો-વિડીયો વિઝ્યુલાઇઝેશનના માધ્યમથી ગોમાતાનું મહાત્મ્ય અને શ્રીવલ્લભ ગોશાલાની વિશેની સવિશેષ માહિતી મેળવી રહ્યાં છે.

વિભાગો

બાલ ક્રિડાંગણ

(બાળકોના રમવા માટેની જગ્યા)

વૈષ્ણવ બાળક પોતાની બાલ્યાવસ્થાથી જ ગોમાતાની નજીક રહે, તેમને ઓળખે, તેમનું જતન કરવા માટે પ્રેરાય અને નિયમિતપણે પોતાના પરિવાર સાથે ગોશાલાએ આવે તે હેતુને સાર્થક કરવા શ્રીવલ્લભ ગોશાલામાં બાળકો માટે બાલ ક્રિડાંગણનું નિર્માણ થયું છે. જ્યાં અત્યાધુનિક લસરપટ્ટી, હિંચકા અને અન્ય રમત-ગમતના સાધનો બાલ ક્રિડાંગણને વધુ મનોરમ્ય બનાવી રહ્યાં છે.

અહીં એક બાલ ગોખિરક બનાવવામાં આવી છે, જ્યાં ગોમાતાના નાના વાછરડુંને બિરાજીત કરવામાં આવે છે, જેથી બાળકો તેમના પર વ્હાલ વરસાવી ગોમાતાને નજીકથી ઓળખી શકશે. બાળકના પરિવારજનો આરામથી બેસી શકે એ માટે અહીં આરામદાયક બાંકડાઓ પણ મુકવામાં આવ્યા છે.

વિભાગો

પરિવાર ઉદ્યાન

(પરિવાર માટે જગ્યા)

શ્રીવલ્લભ ગોશાલાના દર્શને આવતાં વૈષ્ણવો ગોમાતાની નિકટ શાંતિપૂર્ણ અને સંપૂર્ણપણે પ્રાકૃતિક વાતાવરણમાં પરિવાર સાથે બેસી શકે એ માટે અહીં સુંદર પરિવાર ઉદ્યાનનું નિર્માણ થયું છે.

વિભાગો

અલ્પાહાર ગૃહ

(સ્વસ્થ નાસ્તાનું ઘર)

શ્રીવલ્લભ ગોશાલામાં અલ્પાહાર ગૃહ પણ કાર્યરત છે, જ્યાં વૈષ્ણવોને શુદ્ધ અને પૌષ્ટિક અલ્પાહાર મળી રહે છે. અલ્પાહાર ગૃહની નિકટમાં બાળકોને આપણી વિસરાતી જતી રમતો રમાડવામાં આવે છે, તેમજ હવેલી સંગીત તથા ધોળ-સંકીર્તનની પ્રસ્તુતિ કરવા પ્રોત્સાહન આપી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.