
Goshala History
આપણાં આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણને અત્યંત પ્રિય ગોવંશનું પાલન, રક્ષણ અને સંવર્ધન કરવાના આદર્શને પ્રસ્થાપિત કરવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ એટલે શ્રીવલ્લભ ગોશાલા.સાથોસાથ શ્રીવલ્લભ ગોશાલા એક માતૃસંસ્થા તરીકે પણ કાર્ય કરી રહી છે. જ્યાં ગોમાતા-ગોવંશને આનંદપૂર્વક બિરાજીત કરવામાં આવ્યું છે અને અહીં આવતાં ભાવકોને ગોમૂલ્યો પૂર્ણ અર્થમાં સમજાય એ માટેના સવિશેષ પ્રયત્નો પણ થઈ રહ્યાં છે.
શ્રીવલ્લભ ગોશાલાની સ્થાપના કેવીરીતે થઈ?
ઈ.સ.૧૯૮૭ માં જ્યારે ભીષણ દુષ્કાળ પડ્યો, ત્યારે મનુષ્યોને પીવા માટે પાણી પણ અપ્રાપ્ય બન્યું હતું. એ સમયે ગોમાતાની દશા ખુબજ દયનિય બની હતી. આ વિકટ પરિસ્થિતિમાં શ્રીવલ્લભાચાર્યજીના સિધ્ધાંતોની પ્રેરણા અને શ્રીકૃષ્ણ ભક્તિના જોરે ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીએ મહાપ્રભુજી શ્રીવલ્લભાચાર્યજીના સિધ્ધાંતોનું શુદ્ધ સ્વરૂપ વૈષ્ણવોને સમજાવ્યું અને સમાજમાં ગોરક્ષાના મહત્વને પ્રસ્થાપિત કર્યું.
શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીની પ્રેરણાથી ગોવંશની રક્ષા માટે ગામે-ગામ ગોપાલન કેન્દ્રની સ્થાપના થઈ. દુકાળની એ ભીષણ પરિસ્થિતિમાં ૩૬૦૦૦ ગોવંશનું રક્ષણ થયું અને ગોરક્ષા અભિયાન” નો શુભારંભ થયો.
આજે આ અભિયાન વિશાળ વટવૃક્ષ બનીને ગામે-ગામ ગોશાલાની સ્થાપના દ્વારા સુવ્યવસ્થિત આયોજનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે. વાડલા ગામે સ્થિત “શ્રીવલ્લભ ગોશાલા’, ગોસેવાના આદર્શ સ્વરૂપને પ્રસ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
સંપૂર્ણ રાષ્ટ્રમાં આપણી ગોમાતા-ગોવંશ આનંદથી બિરાજે અને ગોહત્યાનું કલંક દૂર થાય એ કર્તવ્ય ભાવનાનો સાક્ષાત્કાર કરવા ભાવનાશીલ અને કર્મનિષ્ઠ વૈષ્ણવો આગળ આવ્યા અને “ગોસ્વામી શ્રીપુરુષોત્તમલાલજી ગોસેવા ટ્રસ્ટ” ની રચના થઈ અને ગોસ્વામી શ્રીકિશોરચંદ્રજી મહારાજશ્રીની પ્રેરણાથી આ સંસ્થા “શ્રીવલ્લભ ગોશાલા” નું નિર્માણ અને સંચાલન કરે એવો નિર્ણય કરવામાં આવ્યો.
ગોમાતા-ગોવંશને પ્રાકૃતિક, સુંદર, સ્વચ્છ અને સાનુકૂળ વાતાવરણ મળે અને વરસાદી પૂર કે કાદવની ભીતિ ન રહે એવી ભૂમિનું ચયન જૂનાગઢ નજીક વાડલા ગામે કરવામાં આવ્યું.
ગોશાલા માટેનું ભૂમિપૂજન ચિરાયુષ્માનું શ્રી પીયૂષબાવાશ્રીના હસ્તે કરવામાં આવ્યું. શ્રીવલ્લભ ગોશાલામાં ગોસ્વામી શ્રીઅનિરુદ્ધલાલજી મહારાજશ્રી દ્વારા ગોમાતાનું મંગલપૂજન કરીને, મહંતશ્રી ગોપાલાનંદજી (અધ્યક્ષશ્રી, ભારત સાધુ સમાજ) ની વિશેષ ઉપસ્થિતિમાં ગોમાતા-ગોવંશને “શ્રીનંદબાવાના પ્રાગટ્ય દિન” મહાસુદ અગિયારસના શુભ દિવસે ગોશાલામાં બિરાજીત કરવામાં આવ્યું. વર્ષ ૨૦૦૪ થી અહીં ગોમાતા-ગોવંશ આનંદપૂર્વક બિરાજે છે.
સાંપ્રત સમયમાં આપણને પ્રાપ્ય ટેક્નોલોજી તેમજ સગવડતાની મદદ લઈને અને આપણી મૂળ સંસ્કૃતિને જાળવી રાખી જીર્ણ થયેલા કેટલાંક વિભાગો સાથેની “શ્રીવલ્લભ ગોશાલા”નો જીર્ણોદ્ધાર વર્ષ ૨૦૧૧માં કરવામાં આવ્યું.
શ્રીવલ્લભ ગોશાલા ઉદેશ્ય
દૃષ્ટિકોણ :
સર્વશાસ્ત્ર ઉપદિષ્ટ ગોમાહાત્મ્યનું દર્શન કરીએ તો એક વાત આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે ગોમાતા-ગોવંશ સમગ્ર સૃષ્ટિનો આધાર છે. ગાવો વિશ્વસ્ય માતરઃ, માતરઃ સર્વભૂતાનાં ના ઉપદેશ દ્વારા આપણા શાસ્ત્રો ગાયને સમગ્ર વિશ્વની, સમગ્ર જીવોની માતાનું સ્થાન આપે છે. માતાની પ્રસન્નતા હશે તો સંતાનોનું સર્વાંગીણ પોષણ ઉત્તમ રીતે કરી શકશે. તદુપરાંત સૃષ્ટિના તથા સૃષ્ટિમાં રહેલા સમગ્ર જીવોના સુખ અને આનંદનું મૂલ, તેનો આધાર સાત્ત્વિક્તા છે અને આ સાત્ત્વિક્તાનો આધાર ગોમાતા છે. આ દૃષ્ટિકોણથી વિચારીએ તો આપણા સહુના સુખ અને આનંદની સ્થિરતા અને વૃદ્ધિ માટે ગો આશ્રય આવશ્યક છે. ગો આશ્રય એટલે ગાયના આ મહત્ત્વને સમજી સાંપ્રત સમયમાં ગાયોની જે રીતે ઉપેક્ષા કરવામાં આવે છે તેના પ્રતિ જાગૃત થઇએ. ગોસેવા, સંવર્ધન, સંરક્ષણ માટે જાગૃત થઇએ અને સમાજને પણ જાગૃત કરીએ.
ધ્યેય :
ઉપરોક્ત દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખી જેઓએ પોતાનું સમગ્ર જીવન ગોસેવા માટે તન-મન-ધનથી સમર્પિત કરી દીધેલું એવા આપણા આચાર્યવર્ય નિ.લી. ગોસ્વામી શ્રીકિશોરચન્દ્રજી મહારાજશ્રીની પ્રેરણાથી ગોસેવા, ગોસંવર્ધન અને ગોસંરક્ષણના મૂલ ધ્યેયને લક્ષ્યમાં લઇ શ્રીવલ્લભ ગોશાલાની સ્થાપના કરવામાં આવી. ગોમાતા-ગોવંશના સર્વાંગીણ સુખને ધ્યાનમાં લઇ ખૂબજ સુંદર અને સુખદાયક વ્યવસ્થાઓ સાથે આ ગોશાલાનું આપશ્રી દ્વારા નિર્માણ કરાવવામાં આવ્યું. ગોમાહાત્મ્ય સમજી ગોસેવાને આચરણમાં મુકી, ગોમાતાની પૂર્ણ પ્રસન્નતા અનેસુખનો વિચાર એ જ શ્રીવલ્લભ ગોશાલાનો ઉદૄેશ્ય છે. સાથે-સાથે સમાજ પણ એમાંથી પ્રેરણા મેળવી ઉત્તમ રીતે ગોસંવર્ધન-સંરક્ષણ માટે જાગૃત થાય તેવી ભાવના આ સંસ્થાની રહેલી છે.